વોંધ નજીક રોડ પર ઉભેલી ટ્રકમાં બીજી ટ્રક ધડાકાભેર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત

ભચાઉ તાલુકાના વોંધ પાસેના નેશનલ હાઈવે પર હોટલ પાસે થોભેલી એક ટ્રકમાં પાછળ આવતી અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતાં ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. કંડલા-ગાંધીધામ તરફથી ટ્રક લઈને ભચાઉ તરફ આવી રહેલો મુળ યુપીનો હાલમાં ગાંધીધામ રહેતો 35 વર્ષીય ટ્રક ચાલક રાય લલિત ચૌહાણ વોંધ પાસે પહોંચ્યો ત્યારે હોટલ પાસેના નેશનલ હાઇવે પર જ ઉભી રાખેલી અન્ય ટ્રકમાં અથડાતાં તેને ગંભીર ઇજાઓ થઈ હોવાની ઘટના વહેલી સવારે બનવા પામી હતી. ઇજાગ્રસ્ત લલિતને પ્રથમ ભચાઉની સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા લઈ જવાયા બાદ વધુ સારવારની જરૂર જણાતા ભુજ ખસેડાયો હતો.