લખપત,નખત્રાણામાં 5 સ્થળોએ પવનચક્કીના વાયર ચોરતી ટોળકીને LCBએ ઝડપી

પશ્ચિમ કચ્છના લખપત અને નખત્રાણા તાલુકામાં આવેલી પવનચક્કીઓમાંથી છેલ્લા લાંબા સમયથી ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે એલસીબીએ વોચ ગોઠવીને તરા મંજલ પાસેથી માલ ખરીદનારા સહિત 4 લોકોને પકડી પાડયા છે. જ્યારે 6 લોકોના નામ ખુલવા પામ્યા છે.આરોપીઓ પાસેથી 56 હજારના વાયર સાથે કુલ 2.21 લાખનો મુદામાલ જપ્ત કરાયો છે.
એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે નખત્રાણામાં તરામંજલ પાસેના રોડ પર ટેમ્પો નંબર જીજે 12 બીટી 8570 ને અટકાવવામાં આવી હતી તેમાં સવાર સુલેમાન ઇસ્માઇલ સંઘાર, રિઝવાન જુમા સંઘાર,ઓસમાણ જુશબ સંઘાર રહે.ત્રણેય બાંડીયારા વાળાને ગાડીમાં રહેલા 140 કિલો કોપર કેબલ બાબતે પુછા કરતા કોઈ આધાર પુરાવા આપી શક્યા હતા નહિ.
આ સાથે માલ ખરીદનાર ભુજના ઇમરાન ઇશા કુંભારની પણ અટકાયત કરાઈ છે.એલસીબીએ સઘન પૂછતાછ કરતા આરોપીઓએ લખપતના નાના ભાડરા,મોરગર,પાનેલી અને નખત્રાણાના રામપર(સરવા)અને વિગોડી સીમમાં આવેલી પવનચક્કીમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીઓને આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.એલસીબીએ વાયરચોરતી ટોળકીને પકડી પાડી છે સાથે જ માલ ખરીદનારા લોકો પર પણ સકંજો કસવામાં આવ્યો છે જેથી ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પવનચક્કીમાંથી વાયરની ચોરી કરતા પકડાયેલા બાંડીયારાના ત્રણ અને ભુજના એક વેપારી સહિત ચાર ઈસમોની અટકાયત કરાઈ છે જેઓની પૂછતાછ દરમ્યાન માલ ખરીદનાર ભુજના અબ્બાસ અલીમામદ કકલ તથા માલ રાખનાર સમીર ઇબ્રાહીમ ઉર્ફે ગડો કુંભાર સહિત નાની વિરાણીના આરોપીઓ અબ્દુલકરીમ હજીમામદ જત,રમજાન હુસેન જત,અલીશા અને સુથરીના રજાકના પણ નામ ખુલ્યા છે જેથી તેઓની અટક કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.