અમદાવાદ SP રિંગરોડ પર ટ્રક અને ટુ-વ્હિલરનું અકસ્માત: પત્નીનું મોત, પતિને ઇજાગ્રસ્ત

વટવામાં રહેતું દંપતી ટુ-વ્હિલર પર રાત્રે એસપી રિંગરોડ વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી પસાર થતું હતું એ દરમિયાન બેકાબૂ ટ્રકચાલકે તેમના ટુ-વ્હિલરને ઠોકર મારી હતી, જેથી દંપતી નીચે પટકાતા ટ્રકનું ટાયર પત્ની પરથી પસાર થઈ જતાં પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે પતિને સામાન્ય ઈજાઓ પહોચી હતી. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં આવેલા ચિરાગ ફલેટમાં રહેતા શાહીદખાન ડ્રાઈવિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે શાહીદખાન પત્ની જાહીદા સાથે વસ્ત્રાલમાં કામ પૂર્ણ કરીને ટુ-વ્હિલર પર ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન એસપી રિંગરોડ વસ્ત્રાલ ચાર રસ્તા નજીક પહોંચ્યા હતા ત્યારે પૂર પાટે આવતા ટ્રકચાલકે શાહીદખાનના ટુ-વ્હિલરને ઠોકર મારી હતી, જેના લીધે શાહીદખાન અને તેમના પત્ની જાહીદાબાનુ નીચે પટકાઈ ગયા હતા. આ દરમિયાન ટ્રકનું ટાયર જાહીદાબાનુના માથા પરથી પસાર થયું હતું. આથી ઘટના સ્થળ પર જ તેમનું મોત થયું હતું.

જ્યારે શાહીદખાનને સામાન્ય ઇજા પહોચી હતી. આ ઘટના પછી ટ્રકચાલક પલાયન થઈ ગયો હતો.જ્યારે સ્થાનિકોએ પોલીસ અને 108ને આ ઘટના વિષે જાણ કરી હતી. શાહીદખાન અને તેમના પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત શાહીદખાને અજાણ્યા ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે પોલીસે શાહીદખાનની ફરિયાદ લઈ નાસી ગયેલા ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.