એણાસણ નજીક ટ્રકના ગુપ્ત ખાનામાંથી રૂપિયા 4,75,200ના દારૂ સાથે 2 શખ્સ પકડાયા

copy image

નરોડા દહેગામ હાઇવે પર દસક્રોઈના એણાસણ ગામ પાસેથી આઇસરના ગુપ્ત ખાનામાંથી દારૂની રૂપિયા 4,75,200ની 2616 નંગ બોટલ સાથે 2 શખ્સ પકડાયા હતા. જ્યારે 3 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કણભા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.ડી.જયસ્વાલ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે દહેગામથી દારૂ ભરેલી આઇસર નરોડા અમદાવાદ તરફ આવવાની છે.

બાતમી મુજબના નંબર વાળી આઇસર દહેગામ તરફથી આવતા એણાસણ જોગણી માતા મંદિર નજીક કણભા પોલીસ કર્મીઓએ ટોર્ચ મારી આઇસર સાઈડમાં ઉભી રાખી તપાસ કરતા આઇસરની કેબિન અને બોડી વચ્ચે ગુપ્ત ખાનું બનાવ્યું હતું. તપાસ કરતા પુંઠાના બોકસમાં દારૂનો વિપુલ જથ્થો હતો. ઝડપાયેલા 2 આરોપી સાથે આઇસર કણભા પોલીસ સ્ટેશન લઈ જઈ ગણતરી કરતા દારૂની જુદા જુદા બ્રાન્ડની રૂપિયા 4,75,200ની બોટલો ઝડપાઇ હતી. તેમજ 2500ના 2 મોબાઈલ, 5 લાખની આઇસર સાથે કુલ 9,77,700નો મુદામાલ પકડાયો હતો.

પકડાયેલા 2 આરોપીમાં લક્ષ્મણભાઇ સુરમાભાઈ ડામોર તથા ભરતભાઇ તખાભાઈ ડામોર છે. જ્યારે 3 વોન્ટેડ આરોપીમાં બાબુફૌજી ડામોર, અરવિંદભાઈ, હીરાભાઈ ડામોરનો સમાવેશ થાય છે. જેમાં બાબુફૌજી ડામોરે અરવલ્લી જિલ્લાના રાયવાડ ગામથી જથ્થો મોકલ્યો હતો. જ્યારે અન્ય 2 વોન્ટેડ અરવિંદભાઈ અને હીરાભાઈ ડામોરે આઇસર ગાડીની આગળ સફેદ કલરનીકારમાં બેસી પાયલોટીંગ કરી રહ્યા હતા. આમ કણભા પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા 2 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વોન્ટેડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.