રાજકોટ અમદાવાદ હાઇવે પર અચાનક લકઝરી બસ રસ્તા પરથી ઉતરી જતાં 15 મુસાફરો ઘવાયા, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક બસનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બામણબોર પાસે થયો હતો. જ્યાં ખાનગી બસ રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી પડી હતી. અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર પાસેથી પસાર થતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી ગઈ હતી. આ બનાવમાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર ચળી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ ગીતા મંદિર મધ્યેથી રાત્રે જુનાગઢ જવા માટે ઉપડેલી મજદા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ GJ 03W-9872 વહેલી સવારે સાડા 6 વાગ્યે બામણબોર પાસે રામપરા બેટીના પુલ પાસે પહોંચી ત્યારે બસ ચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ પૂલ પરથી નીચે ખાબકતાં મુસાફરોમાં દેકારો મચી જવા પામ્યો હતો.
અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં અને ઍરપોર્ટ પોલીસની ટીમ પહોંચી ગઇ હતી. જાણ થતાં 108ની ત્રણ ગાડીઓ સાથે ગ્રીનલેન્ડ ચોકડીના ભાવેશભાઇ વાઢેર, રવીભાઇ નિમાવત, જગદીશભાઇ, દિલીપભાઇ બારોટ સહિતના પહોંચ્યા હતાં. મોટા ભાગના મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોચી હોવાથી કુવાડવા પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. જ્યારે ત્રણ મુસાફરો દિપક ગજાનંદ શર્મા (ઉ.19-રહે. અમરાવતી અમદાવાદ), જીવણભાઇ અમરાભાઇ ગોહેલ (ઉ.52-રહે. મેઘાણીનગર અમદાવાદ) તેમજ અનુજકુમાર મોરવલ (ઉ.50-રહે. અમદાવાદ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ એરપોર્ટ રોડ પોલીસને જાણ કરી હતી. ઘાયલોના કહેવા અનુસાર રાતે બસ ઉપડી હતી. જે અમદાવાદ-જુનાગઢ રૂટની હતી. સ્લીપરના તમામ સોફા અને બેઠક એમ તમામ સીટો ફુલ હતી. ડ્રાઇવરે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવી દેતા બસ પૂલ નીચે ઉતરી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ હતી નહિ. બસને બહાર કાઢવા પોલીસે ક્રેઇનની મદદ લીધી હતી અને મુસાફરની ફરિયાદને આધારે બસ ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી હતી.