ભોલાવના GNFCના પ્રોડક્શન મેનેજરના મકાનમાંથી 1.76 લાખની તસ્કરી

ભોલાવ ગામની પુષ્પક સોસાયટીમાં રહેતાં મહેન્દ્રસિંહ અર્જૂનસિંહ રહેવર જીએનએફસી કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સાંજે તેઓ તેમની પત્ની તથા પુત્ર સાથે તેમની કાર લઇને સાબરકાંઠા મધ્યે આવેલાં વડાલી ગામમાં તેમની કુળદેવી ચામુંડા માતાજીના મંદીરે દર્શનાર્થે ગયાં હતાં. જ્યાંથી તેઓ ગઇકાલે સાંજે પાછા આવ્યાં હતાં. તેમના પુત્ર દવરાજે ઘરનો દરવાજો ખોલવા જતાં દરવાજાની જાળી ખુલી હતી નહિ.
ધ્યાનથી જોતાં દરવાજાનો નકુચો તુટેલો જણાતાં તેણે તેના પિતાને જાણ કરતાં તેઓએ પાછળના દરવાજે જઇ જોતાં તે દરવાજો ખુલ્લો જણાતાં ત્યાંથી તેમણે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં તેમના બેડરૂમમાં તથા ઉપરના માળે આવેલાં રૂમોમાં જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો નજરે પડ્યો હતો. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી સોના-ચાંદીના કુલ 1.76 લાખના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.