કણકોટના શ્યામલ રેસિડેન્સી નજીક દારૂની ભઠ્ઠી પર જનતાએ પાડ્યો દરોડો

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસની નજરમાં ન આવેલા કણકોટ મેઇન રોડ પરની ઝૂંપડપટ્ટીમાંથી બેરોકટોક થતા દેશી દારૂના હાટડાઓ પર લોકોએ જ રવિવારે રાતે રેડ પાડતા દેકારો મચી જવા પામ્યો હતો. લોકોના ટોળાં એકત્ર થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
કણકોટ મેઇન રોડ, શ્યામલ ઉપવન નજીક દસ દિવસ પછી જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમૃત મહોત્સવ યોજાવવાનો છે. તે સ્થળ પાસેની ઝૂંપડપટ્ટીમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ થતું હોવાથી વિસ્તારના લોકોએ અનેક વખત પોલીસને રજૂઆત તેમજ અરજી કરવા છતાં કોઇ પગલાં નહિ લેતા રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ રવિવારે રાતે દેશી દારૂના હાટડાઓ પર રેડ પાડી હતી. લોકોનું મોટું ટોળું જોઇ દારૂના ધંધાર્થીઓ ત્યાંથી ભાગી ગયા હતા. રાત્રીના સમયે વિસ્તારના લોકોએ દારૂના હાટડાઓ પર જનતા રેડ કર્યાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો. તપાસ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો, આથો સહિતનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાંથી ઘાતક હથિયારો પણ મળ્યાં હતા.
જનતા રેડ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું કે, દેવદિવાળીની રાતે અહીંથી ઝૂંપડપટ્ટીમાંથી દારૂ પીને કેટલાક અસામાજિક તત્ત્વોએ વિસ્તારની મહિલાઓની છેડતી પણ કરી હતી. જે બાબતે પોલીસ તંત્રે કોઇ કાર્યવાહી નહિ કરતા આજે જનતા રેડ કરવાની ફરજ પડી છે. તાલુકા પોલીસે દારૂનો જથ્થો, આથો વગેરે જપ્ત કરી ભાગી ગયેલા દારૂના ધંધાર્થીઓને ઝડપવા દોડધામ શરૂ કરી છે.