વિસનગરમાં ચુડેલ માતાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

વિસનગર શહેરમાં પોલીસે બાતમીના આધારે ઠાકોરવાસમાં ચુડેલ માતાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 શખ્સોને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હાજર હતા, તે દરમિયાન ખાનગી સુત્રો દ્વારા બાતમી મળી હતી કે, વિસનગર ભક્તોના ઠાકોરવાસમાં ચુડેલ માતાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ જુગાર રમે છે. જે આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા 5 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે ચૌહાણ ગુલજારભાઈ મુગલભાઈ, દેવીપુજક દશરથભાઈ નરોત્તમભાઈ, ચૌહાણ આશિફભાઈ ઇદ્રીશભાઈ, ઠાકોર પ્રતાપજી તેજાજી અને ઠાકોર ભીખાજી સેંધાજીને પકડી લઈ તમામ પાસેથી જુગાર સાહિત્ય સહિત મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો દાખલ કરવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.