રાપરના ફતેહગઢમાંથી 3 કિલો પોષ- ડેડા સાથે 1 આરોપી પકડાયો

રાપર તાલુકાના ફતેહગઢના રહેણાક મકાનમાં બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે દરોડો પાડી રૂ.9,678 ની કિંમતના 3.226 કિલોગ્રામ માદક પદાર્થ પોષ ડેડા સાથે એકની ધરપકડ કરી આ જથ્થો મોકલનાર સહિત ત્રણ સામે રાપર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.એસઓજી પીઆઇ એસ.એન.ગડ્ડુએ જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે રાપરના ફતેહગઢના નવાવાસમાં રહેતો મુળ રાજસ્થાનનો શિવસિંહ ઉર્ફે શેરસિંહ મહાદાનસિંહ પઢિયાર પોતાના રહેણાક મકાનમાં માદક પદાર્થ રાખી ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે.

આ બાતમીના આધારે તેના રહેણાક મકાનમાં રેડ પાડતાં ઘરમાંથી રૂ.9,678 ની કિંમતનો 3.226 કિલોગ્રામ પોષ ડેડાનો જથ્થો મળી આવતાં તેની પાસેથી મોબાઇલ અને વજનકાંટા સહિત કુલ રૂ.16,678 નો મુદ્દામાલ જપ્ત કરી શિવસિંહ ઉર્ફે શેરસિંહની ધરપકડ કરી આ જથ્થો મોકલનાર રાજસ્થાનના ઉદયપુર રહેતા રાજુભાઇ અને દેવાભાઇ સહિત 3 સામે રાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.