કંડલામાં માન્ય પ્રમાણપત્ર વિના લોકોની દવા કરતો બોગસ ડોક્ટર પકડાયો

કંડલા મરિન પોલસે કંડલાની બાપટ બજારમાં કોઇપણ માન્ય પ્રમાણપત્ર વિના લોકોની દવા કરતા બોગસ ડોક્ટરને પકડી તેની પાસેથી રૂ.26 હજારના મેડિકલના સાધનો અને દવાઓ સહિત કુલ રૂ.37 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

કંડલા મરીન પોલસ મથકના પીઆઇ એચ.કે.હુંબલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આવા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઝડપવા ખાસ ટીમ બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાપટ બજારમાં મુળ ઉત્તરપ્રદેશના હાલમાં ગાંધીધામના ઇન્દીરાનગરમાં રહેતા મોહમ્મદ હસનેન અબ્દુલ હાકેમ કોઇપણ સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેના માન્ય પ્રમાણ પત્ર વિના ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું જણાતાં તેની ધરપકડ કરી તેમના કબજામાંથી રૂ.26,568 ની કિંમતના મેડિકલના સાધનો અને એલોપથીની દવાઓ, રૂ.10,000 ની કિંમતનો એક મોબાઇલ અને રૂ. 1,350 રોકડ સહિત કુલ રૂ.37,918નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, મહેશ ખોખરિયા, સુનિલ તરાલ, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, જયપાલસીંહ પરમાર અને કુલદિપ વ્યાસ જોડાયા હતા.