ગાંધીધામની રેલવે કોલોનીના ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં દોડધામ

ગાંધીધામની રેલવે કોલોનીમાં ઘરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગત રાત્રે બનેલી આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરમાં આગે તારાજી મચાવી દીધી હતી. રાત્રીના 11 વાગ્યાના સમયગાળામાં ગાંધીધામ સ્થિત રેલવે કોલોની અંદરના એક ઘરમાંથી અચાનક આગની લપટો બહાર નિકળતી જોવા મળતા સ્થાનિકોએ પાણી નાખવાનું શરૂ કર્યું હતું.
જોત જોતામાં આગે મોટુ સ્વરુપ ધારણ કરી લેતા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પહેલા એક આવ્યા પછી વધુ જરૂરીયાત લાગતા બીજા ફાયરબ્રીગેડને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આશરે એકાદ કલાક સુધી બંને ફાયર ફાઈટરો અને જવાનોએ પાણીનો મારો ચલાવ્યા પછી આગ પર સંપુર્ણ કાબુ મેળવી લીધો હતો. સુત્રોના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે, ઘટના સમયે ઘરમાં કોઇ હાજર હતું નહિ.