ભચાઉ-વોંધના ચેરિયા વિસ્તારમાં વન અધિકાર કાયદાનું ઉલંઘન કરવામાં આવતા,રજૂઆત કરાઈ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોનું ઉલ્લંઘન કરીને ભચાઉ તથા વોંધ વિસ્તારમાં કાર્યરત મીઠાના કારખાનાઓ દ્વારા ચેરિયાના ગીચ જંગલોનું કોઇના ડર વિના નિકંદન કઢાય આવે છે તેવા આક્ષેપ સાથે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં આ દિશામાં યોગ્ય અને ત્વરિત પગલા ભરવાની માંગણી કરી હતી.
કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટ પાલકોના સંરક્ષણ, ચરિયાણ અને આજીવિકા માટે વર્ષ 2011થી કાર્યરત કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયા અનુસાર ભચાઉ અને વોંધના સીમાડા નજીક આવેલી હડકિયા ક્રિક એ ગીચ ચેરીયાના જંગલોનો વિસ્તાર છે, જેના પર આશરે 535 ખારાઈ ઊંટો તેમજ તેમના ઊંટ પાલકો ચરિયાણ તથા તેમની આજીવિકા માટે પૂર્ણ રૂપે આધારિત છે. ક્રિક નજીક આવેલા નાની બેટી, ગુલાબશા પીર દરગાહનો પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મીઠાના કારખાનાના માલિકો દ્વારા ગીચ ચેરિયાના જંગલોનું ઝડપી નિકંદન કરાઈ રહ્યું છે.
આ અંગે વારંવાર સંગઠન દ્વારા લેખિત તથા મૌખિક રજૂઆતો કરાઈ છે. ડિસ્ટ્રિક્ટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ કમિટી, મુખ્ય વન સંરક્ષકને પણ લેખિત જાણ કરાઈ છે તેમ છતાં આ અંગે કોઈ પગલાં લેવાયા નથી. વર્ષ 2019માં NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)માંથી પણ આ કૃત્ય રોકી દેવાનો તથા જે સ્થળે ચેરિયાનું નિકંદન થયું છે ત્યાં નવા ચેરિયાનું વાવેતર કરવા ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં જંગલોનો વિનાશ રોકાયો નથી.
વર્તમાન સમયમાં પણ જે. સી. બી., હિટાચી, ટ્રેક્ટર જેવા ભારેખમ મશીનો વડે દૈનિક 25-30 એકર વિસ્તારમાં ચેરિયાઓના કુદરતી જંગલોનો સરેઆમ વિનાશ કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હડકિયા ક્રિકની પાણીની ચેનલો અને કુદરતી વહેણને મોટા પાળા બનાવીને દરિયાના ભરતીના પાણીને રોકવામાં આવે છે, જેથી પાણીના અભાવથી ચેરિયા સુકાઈ જાય છે અને આ વિનાશથી લુપ્ત થતી પ્રજાતિ ખારાઈ ઊંટોના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થયો છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી તથા માજી પ્રમુખ ભીખાભાઇ રબારી અને અન્ય મલધારીઓ દ્વારા કલેકટર તથામુખ્ય વન સંરક્ષકને આ અંગે આવેદન અપાયું હતું. કલેકટર દ્વારા ચેરિયાના નિકંદન પર તાત્કાલિક ધોરણે રોક લગાવી લાંબાગાળાના કાયદાકીય પગલાઓ લેવા બાબતે હૈયાધારણા અપાઈ હતી.