ભુજમાં પ્રારંભ કરાયેલા બે આરોગ્ય કેન્દ્રોને પ્રજા શોધી રહી છે.
ચુંટણી જાહેર થઈ તે દિવસે જ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ શહેરમાં શુભારંભ કરાયેલા બે શહેરી આરોગ્ય કેન્દ્રો આચારસંહિતાની અમલવારી પહેલા ઉતાવળમાં ખુલ્લા જાહેર કરાયા હોય તેવું દર્શાવે છે. વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે ભુજ શહેરના યુ.એચ.સી. 4 અને 5 નો વિધિવત શુભારંભ તો કરાયો પરંતુ એક આરોગ્ય કેન્દ્ર તો હજુ બન્યું જ નથી તો બીજામાં લોકોની ચિકિત્સા સારવાર કરવા કોઈ તબીબો જ નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ બધા રાજકીય પક્ષો પ્રજાનો પ્રેમ જીતવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તો ચુંટણી જાહેર થાય અને આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થાય તે પહેલાં જ હાલના ધારાસભ્યોએ પણ પોતાની કામગીરીમાં વધુને વધુ ઉમેરો થાય તેનો પ્રયાસ કરતા થયા હતા.
