સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનની બાજુમાં જપ્ત કરાયેલી 10 બાઈકમાં આગ ભભૂકી ઉઠતાં ખાખ, આગ લાગવાનું કારણ અકબંધ

copy image

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ અઠવા પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલી બાઈકોમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. અઠવા પોલીસે ગુનાના કામમાં જપ્ત કરેલી 10 જેટલી બાઈકમાં મોડી રાત્રે આગ લાગી હતી. બાઈકમાં આગ લાગતા મોડી રાત્રે અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં કરી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું.અઠવા પોલીસ દ્વારા જુદા જુદા ગુનાના કામમાં જપ્ત કરવામાં આવેલી બાઇકો, મોપેડ, કાર અહીં ખુલી જગ્યામાં રખાઈ છે. જેમાંથી ગત મોડી રાત્રે અચાનક 10 જેટલી બાઈકો સળગી ગઈ હતી. પોલીસે દારૂ, જુગાર, ચોરી, લૂંટ અને બિનવારસી જેવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયા બાદ જપ્ત કરવામાં આવેલી બાઈકો હતી.

​​​ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. મોડી રાત્રે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પાંચ ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે તો જાણી શકાયું હતું નહિ. પરંતુ ફાયર વિભાગ પાસેથી મળતી વિગત અનુસાર ગુનામાં કામમાં જપ્ત કરાયેલી બાઇકો લાંબા સમયથી પડી રહી હોવાથી ક્યાંક પેટ્રોલ લીકેજના લીધે આ ઘટના બની હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. એક બાઈકમાં આગ લાગ્યા પછી તેની ઝપેટમાં એક સાથે અલગ અલગ 10 જેટલી બાઇકો આવી ગઈ હતી. જેને લઇ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.