અમદાવાદમાં ઈકોના સાઇલેન્સરની ચોરી કરનારો ચોર આરોપી પકડાયો

ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરનારા આરોપીની પીસીબી એ અટકાયત કરી છે. ઈકો ગાડીના સાયલેન્સરના વચ્ચેના ભાગમાં પેલેડિયમ માટી આવે છે. આ ઘાતુ 10 ગ્રામ 5 થી 10 હજાર રૂપિયામાં વેચાતું હોવાથી ચોરો પેલેડિયમ માટે સાયલેન્સરની ચોરી કરે છે.

ઈકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરી કરતી ટોળકીના સાગરિત સાજીદ ઉર્ફે એકડ ઈબ્રાહીમભાઈ મકેલ(બાપુનગર) વિશે પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળેલી માહિતી આધારે વોચ ગોઢવીને સાજીદને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે સાગરિતો સાથે મળીને અસલાલી, હિંમતનગર, આણંદ, કઠલાલમાંથી 6 ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ઈકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરીના બનાવો બની રહ્યા છે. આ ચોરીમાં પણ સાજીદ અને તેની ગેંગના જ માણસોની સંડોવણી હોવાની આશંકાના આધારે પોલીસે સાજીદના અન્ય સાગરિતોની શોધખોળ આચરી છે.