અંજાર વિસ્તારમાં હવામાન પલટાયું: વરસામેડી, વરસાણા, પડાણામાં વરસાદી ઝાપટાં

અફઘાનિસ્તાન નજીક સર્જાયેલા પશ્ચિમી વિક્ષોભની અસર તળે પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં બપોર પછી હવામાન પલટાયું હતું અને વરસામેડી, વરસાણા, પડાણામાં ઝાપટાં પડ્યા હતા. કચ્છભરમાં મહત્તમ પારો વધુ એક ડિગ્રી જેટલો નીચે ઉતરતાં ગરમીમાં રાહત મળી હતી. આજે કેટલાક સ્થળે ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બપોર પછી એકાએક વાદળો ચડી આવતાં વરસામેડી, વરસાણા અને પડાણા સહિતના વિસ્તારોમાં ઝાપટું વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ જિલ્લાના કેટલાક ભાગમાં વાદળોની હાજરી જોવા મળી હતી. આજે પણ છૂટા છવાયા સ્થળે હળવા ઝાપટા પડી શકે છે તેવો અનુમાન વેધશાળાએ વ્યક્ત કર્યો છે.

આ દરમિયાન કચ્છમાં ઉંચુ તાપમાન એક આંક જેટલું નીચે આવ્યું હતું જેને પગલે ભુજમાં મહત્તમ 34, નલિયામાં 32.2, કંડલા બંદરે 34.5 જ્યારે કંડલા એરપોર્ટ મથક પર 34.6 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં 17.1 ડિગ્રી જેટલા ન્યૂનતમ તાપમાન સાથે રાત્રે ઠંડી જણાઈ હતી. શુક્ર-શનિવારથી કચ્છમાં લઘુતમ પારો 15 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના ભુજ હવામાન વિભાગે અગાઉ દર્શાવી હતી.