ભુજના દિનારામાં માથાભારે ઇસમોએ કરોડોની ગૌચર જમીન ખેડી નાખ્યાનો આક્ષેપ કરાયો

ભુજ તાલુકાની દિનારા ગ્રામપંચાયતની હદમાં ચરિયાણ જમીન પર માથાભારે ઇસમોએ દબાણ કરી ખેડી નાખી હોવાના આરોપ સાથે જવાબદારો સામે પગલા ભરવા માંગ કરવામાં આવી છે. ભુજ તાલુકામાં દિનારા પંચાયતની હદમાં સૌથી વધારે ગૌચર જમીન પર મોટાપાયે દબાણ થયું છે. ગૌચર જમીન ગ્રામપંચાયતને નીમ થયેલ છે.

દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામપંચાયતને હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તા.11-11-21ના તાલુકાપંચાયતે સરપંચને પત્ર લખી દબાણ દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામમાં પશુધનની સંખ્યા 10 હજારથી વધુ છે અને 100 પશુ દીઠ 40 એકર ગૌચર જમીન નીમ કરવાનો માપદંડ મુકરર કરવામાં આવ્યો છે અને આ જમીન માત્ર ગાય અને ભેંસ માટે જ નીમ થયેલી હોય છે. ચોમાસામાં સારા વરસાદ પછી મોટાપાયે ગૌચર જમીન પર દબાણ કરીને માથાભારે ઇસમોએ ખેડી નાખી હોવાના આક્ષેપ હાજી મલુક ઇસ્માઇલ સમાએ કર્યા છે.