માંડવી બીચ પર વોકર ફેરિયા પાસેથી દૈનિક રૂ.10ના બદલે રૂ 50ની વસૂલાત કરાતા શ્રમજીવીઓ મુશ્કેલીમાં

માંડવીમાં બીચ પર ફેરિયા પાસેથી દૈનિક રૂ.10ના બદલે રૂ.50ની વસુલાત કરવામાં આવતા શ્રમજીવીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. માંડવીમાં પાલિકા દ્વારા વોકર ફેરિયાઓ પાસેથી દૈનિક રૂ.10ના બદલે રૂ.50ની વસુલાત કરવામાં આવતા શ્રમજીવીઓમાં નારાજગી જોવા મળી રહી છે. દિવાળીના પર્વે ફટાકડાના હંગામી સ્ટોલવાળા પાસેથી રૂ.500નો ચાર્જ વસુલાતાં આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા છેવટે નિયમ અનુસાર વસુલાત કરવામાં આવી હતી.
તેવામાં માંડવીના રમણીય બીચ મધ્યે નાના બાળકો માટે જમ્પિંગ, ચકરડી સહિત વિવિધ રાઇડ અને મનોરંજનના સાધનો ચલાવી શ્રમજીવીઅો રોજગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ શ્રમજીવીઓ પાસેથી નિયમ અનુસાર દરરોજના રૂ.10 વસુલવાના હોય છે તેમ છતાં પણ માંડવી નગરપાલિકા નિયત કરાયેલા નિયમોથી ઉપરવટ જઇને દૈનિક રૂ.50ની વસુલાત કરતાં શ્રમજીવીઓ પરેશાનીમાં મૂકાઈ ગયા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ જાડેજાએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.