મીઠીરોહર નજીક ઉભેલા ટ્રેઇલરને અન્ય ટ્રેઇલરે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો : ચાલકનું ઘટનાસ્થળે મોત

ગાંધીધામ પાસે મીઠીરોહર નજીક આજે વહેલી પરોઢે 4 વાગ્યાના સમયગાળામાં કોઇપણ આડાશ કે સિગ્નલ વગર ઉભેલા ટ્રેઇલરમાં મોરબીથી મુન્દ્રા જઇ રહેલું ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં યુવાન ચાલકનું ગંભીર ઇજાઓ પહોચવાથી ઘટનાસ્થળે જ મોત થયું હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ રાજસ્થાનના હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી ગાંધીધામના ફોર્ચ્યુન શિપિંગ કંપનીમાં ટ્રેઇલર ચાલક તરીકે ફરજ બજાવી રહેલા 40 વર્ષીય નરેન્દ્રસિંહ દોલતસિંહ રાવત આજે વહેલી પરોઢે કંપનીનું ટ્રેઇલર લઇ મોરબી થી મુન્દ્રા તરફ જતા હતા તે દરમિયાન મીઠીરોહર પાસે ગાયત્રી પેટ્રોલપમ્પ સામે અંધારામાં કોઇપણ આડશ કે સિગ્નોલ વગર ઉભેલા ટ્રેઇલરમાં તેમનું ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને ટ્રેઇલર ચલાવી રહેલા 40 વર્ષીય નરેન્દ્રસિંહ રાવતનું છાતી અને પગમાં ગંભીર ઇજાઓથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં ફોર્ચ્યુન શિપિંગ કંપનીના મેનેજર રોહિતભાઇ જોષી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમની કંપનીમાં જ ટ્રેઇલર ચલાવતા મૃતકના સાળા ઇશ્વરસિંહ માલસિંહ રાવતને જાણ કરવામાં આવતા તેમણે આડશ અને સિગ્નલ વિના બેદરકારી પૂર્વક પાર્ક કરી જીવલેણ અકસ્માતનું કારણ બનનાર ટ્રેઇલર ચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ કે.જે.વાઢેરે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાઈ ગયો છે.