મોરગર નજીકથી ભાગેલો કાર ચાલક આરોપી પોલીસના વાહનમાં અથડાતા ઝડપાયો

ભચાઉ થી ભુજ તરફ જઇ રહેલી ક્રેટા કારને રોકવા ઇશારો કરતાં તે આરોપી કાવો મારી ભાગી ગયા પછી નાકા બંધી કરી તો ક્રેટા કારના ચાલકે યુ-ટર્ન મારી ભાગવાના પ્રયત્નમાં પોલીસની કારમાં અથડાવ્યા પછી પોલીસે ઝડપી પાડી કારની તલાસી લેતાં તેમાંથી દારૂની બે બોટલ અને છીર તથા ધોકા જેવા હથિયાર મળી આવતાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ દુધઇ પોલીસે એક સાથે ત્રણ ગુનઓ દાખલ કર્યા હતા.

દુધઇ પોલીસ મથકની ટીમ ગત સાંજે 4 વાગ્યે મોરગર સામે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન ભચાઉથી ભુજ તરફ જઇ રહેલી ફ્રેટા કાર શંકાસ્પદ લાગતાં કાર રોકવા ઇશારો કર્યો હતો પરંતુ કાર ચાલક ભાગતાં પોલીસે કારનો પીછો કરી નવી દુધઇ નજીક પોલીસ મથકે જાણ કરી નાકા બંધી કરાવી દીધી હતી.

આરોપી કાર ચાલક પોલીસને જોઇ યુ ટર્ન મારી પીછો કરી રહેલા પોલીસના વાહન સામે આવી ગયો અને ભાગવાના પ્રયાસમાં ક્રેટા કારના ચાલકે પોલીસના વાહનમાં અથડાવી સરકારી વાહનમાં નુકશાન પહોંચાડી ઉભો રહેતાં કારની તલાશી દરમિયાન કારમાંથી રૂ.1,000 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ, મોબાઇલ અને રૂ.2,500 રોકડ મળી આવી હતી , તો કારમાંથી છરી અને ધોકા જેવા હથિયાર મળી આવતાં દુધઇ પોલીસે ઝડપેલા ભચાઉના યશોદા ધામ રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી સામે દારૂ, હથિયાર તથા સરકારી વાહન સાથે અથડાવી અકસ્માત સર્જયો હોવાનો એમ ત્રણ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

મોરગર નજીક પોલીસે રોકતાં ન રોકાયેલા ક્રેટા કારના ચાલક પાસેથી દારૂની બોટલો, હથિયાર મળી આવ્યા પછી તેને પોલીસે શા માટે ભાગ્યો ? પુછતાં તેણે જણાવ્યું હતું કે, પોતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી છે, કારમાં દારુની બોટલ હોવાટી ફરી પોલીસ કેસ થશે તેવા ડરને લીધે તે ભાગ્યો હોવાની કેફિયત તેણે આપી હતી.

મોરગર નજીક ઇશારો કર્યો હોવા છતાં ઉભા ન રહેલા કાર ચાલકનો પોલીસે સરકારી વાહનથી પીછો કર્યો હતો ત્યાર પછી આગળ પણ પોલીસને જોઇ યુ ટર્ન લઇ પીછો કરી રહેલા પોલીસના વાહનને કાવો મારવા જતાં કાર પોલીસના વાહનમાં અથડાઇ હતી જેમાં સરકારી વાહનને નુકશાન પહોંચવા તેમજ પીએસઆઇ આર.બી.રાણા અને ચાલક રાણાભાઇ કેરાસીયાને ઇજા થઈ હતી.