અમદાવાદમાં ATM કાર્ડ ચોરી કરી ATMમાંથી પૈસા ઉપાડનાર ચોર આરોપી પકડાયો, 81 કાર્ડ જપ્ત કરાયા

અમદાવાદ સાઇબર ક્રાઇમે શહેરના જુદા જુદા વિસ્તારના અલગ અલગ એટીએમમાં જઈ એટીએમ કાર્ડની તસ્કરી કરી એટીએમમાંથી પૈસા ઉપાડનાર ચોરને પકડી લીધો છે. આ આરોપી એટીએમમાંથી જે તે વ્યક્તિની પાછળ ઉભા રહી પિન જોઈ લેતો હતો બાદમાં એટીએમ કાર્ડની ચોરી કરતો હતો. આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ પણ જપ્ત કરાયા છે.
અમદાવાદના ઘોડાસરમાં રહેતા એક ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેઓ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે એટીએમ કાર્ડ ભૂલી ગયા હતા જે એટીએમ કાર્ડ તેમની પાછળ ઉભેલા અજાણ્યા વ્યક્તિએ ચોરી લીધું હતું અને તેમના ખાતામાંથી 99,600 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. એટીએમના સીસીટીવી ફૂટેજના આધારે એટીએમ કાર્ડ તસ્કરી કરનાર વ્યક્તિને ઓળખી લીધો હતો.
સાઇબર ક્રાઇમે એટીએમ કાર્ડ ચોરી કરનાર આરોપી અમિત જૈનને પકડી લીધો હતો. આરોપી મુળ બેંગ્લોરનો છે અને મણીનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ પણ પોલીસે જપ્ત કર્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી જુદા જુદા એટીએમમાં ફરતો હતો અને એટીએમમાંથી કોઈ વ્યક્તિ પૈસા ઉપાડતું હોય તો તેનો પીન નંબર પાછળ ઉભા રહીને જોઈ લેતો હતો. ત્યારપછી કોઈ વ્યક્તિ એટીએમમાં કાર્ડ ભૂલી જાય અથવા તો અન્ય રીતે આરોપી એટીએમ કાર્ડ ચોરી કરી લેતો હતો અને અલગ અલગ વ્યક્તિઓના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો. સાઇબર ક્રાઇમે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.