વડોદરામાં તબીબના ઘરમાં આગ લાગવાથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત પુસ્તકો બળ્યા

શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ડોક્ટરના મકાનમાં આગ લાગતા કમ્પ્યૂટર સહિતનાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને પુસ્તક ભરેલું કબાટ સળગી ઉઠ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ડો.સુરેન્દ્ર નારાયણ સિંહના મકાનના ઉપરના માળે ધુમાડા નીકળતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર આવી ઉપરના માળે રૂમમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં ઉપરના માળે રાખેલા કમ્પ્યૂટર, ટીવી અને પંખા સહિતની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બળી ગયાં હતાં.
જ્યારે ત્યાં રાખેલાં પુસ્તકો ભરેલાં 3 કબાટ પૈકી એક કબાટ બળીને ખાખ થઈ ગયું હતું, જ્યારે અન્ય બે કબાટને બચાવી લેવામાં આવ્યા હતાં. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરબ્રિગેડના કર્મચારી જાલમસિંહ ડામોરના જણાવ્યા મુજબ મકાન ડોક્ટરનું હતું અને તેઓના ઉપરના માળે પુસ્તકો ભરેલા કબાટ હતા આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.