નવસારીના અડદા ગામનજીક ટ્રકે બાઇકને ઠોકર મારતાબાઇક ચાલક યુવાનનું મોત

નવસારીના અડદા ગામમાં રહેતા કાનજીભાઈ આહિરે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના ભત્રીજા ચિંતન અનિલભાઈ આહીર અને કેવલ ધીરૂભાઈ આહીર તેમની બાઇક (નં. GJ-21-8398) લઈને સાંજે નવસારી તરફ આવતા હતા. આ દરમિયાન કણાઈ ખાડી ગણદેવી રોડ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી ટ્રક (નં. GJ-21-T-3437)ના ચાલક સોનિયાભાઈ વાગરિયા વળવી (હાલ રહે. ગણદેવી સુગર ફેકટરીમાં, મૂળ રહે. નંદુરબાર)એ પૂરપાટે હંકારી લાવી બાઇકને ઠોકર મારી હતી.

જેને પગલે બાઈક પર સવાર ચિંતન અને કેવલ રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઈજાને પગલે ચિંતન આહીરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે કેવલ આહિરને શરીરે ઇજા થઈ હતી. મળતી વિગત અનુસાર મૃતક ચિંતન આહીર દુબઇમાં નોકરી કરતો હોવાથી ટૂંક સમય માટે ઘરે આવ્યો હતો. ઘટના પછી ટ્રક ચાલક સોનિયાભાઈ નાસી જવાનો પ્રયત્ન કરતા લોકોએ પકડી પાડી માર મારી પોલીસને જાણ કરી સોંપ્યો હતો. આ અંગે પીએસઆઈ વી.જે.પટેલ તપાસ ચલાવી રહ્યાં છે.