ભુજના ઇસમોએ અમદાવાદના જુહાપુરાના શખ્સ પાસેથી માલ ખરીદ્યો હોવાની કબૂલાત કરી

કચ્છમાં છેલ્લા લાંબા સમયથી એમડી ડ્રગ્સની હેરાફેરી અને સેવન થતું હોવાની ફરિયાદો વચ્ચે બુધવારે ભુજ એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરીને માધાપર હાઇવે પર કારને રોકાવી તેના ગીયર બોક્ષમાં છુપાવેલુ 2.80 લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું.આ સાથે 3 ઇસમોની અટકાયત કરાઇ હતી.જેઓને કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મળ્યા છે.પ્રાથમિક તપાસમાં અમદાવાદના જુહાપુરામાં રહેતા શખ્સે માલ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
બાતમીના આધારે SOGએ ભુજ-માધાપર હાઈવે પર GJ 12 DM-1138 નંબરની બલેનો કાર સાથે ભુજના અકરમ અબ્દુલગની સંધી, નદિમ નુરમામદ સમા અને સાવન ચંદુલાલ પટેલને 28 ગ્રામ મેફેડ્રોન સાથે પકડી પાડ્યા હતા.ત્રણે યુવકો અમદાવાદથી MDડ્રગ્સ ખરીદીને લાવ્યા હતા. પોલીસથી બચવા ત્રણ નાની નાની પડીકીમાં કારના ગિયર બોક્સમાં તેમણે માલ છૂપાવ્યો હતો પણ ડ્રગ્સ ન મળતા સ્નીફર ડૉગની મદદ લેવામાં આવી હતી. જેમાં ગિયર બોક્સમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.આરોપીઓ પૂર્વે પણ બે વા૨ ખેપ મારી આવ્યા હતા.
મ્યાઉ મ્યાઉ નામથી નબીરાઓમાં જાણીતા આ ડ્રગ્સનું આરોપીઓ સેવન કરવા સાથે ઊંચા ભાવે સ્થાનિકે વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એસઓજીએ ત્રણેય શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા પીએસઆઈ બી.જે.ઠાકોરે આગળની તપાસ હાથ ધરી છે.તેઓએ જણાવ્યું કે, પકડાયેલા ત્રણેય વ્યક્તિઓને ભુજની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાયા હતા જેઓના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓએ અમદાવાદના જુહાપુરા મધ્યે રહેતા સહેજાદ કુરેશી પાસેથી માલ મેળવ્યો હતો.જેથી આ દિશામાં પણ તપાસ તજવીજ હાથ ધરાઈ છે
માત્ર 1 ગ્રામની સરકારી કિંમત છે 10 હજાર, છૂટકમાં તો બમણાથી વધુ વસૂલાતા ભાવ.ભુજમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.જેમાં 1 ગ્રામ મેફેડ્રોનની સરકારી કિંમત 10 હજાર રૂપિયા આંકવામાં આવી છે પણ સૂત્રો કહે છે કે,છૂટક બજારમાં તેના બમણા ભાવો લેવાતા હોય છે.છેલ્લા થોડા સમયથી જ આ ડ્રગ્સનું ચલણ કચ્છનાં નબીરાઓમાં વધ્યું છે.યુવાનોમાં આ ડ્રગ્ઝ મ્યાંઉ મ્યાંઉ સહિતના નામે પ્રચલિત છે. મોટાભાગે રેવ પાર્ટીઓમાં તેનું વધુ સેવન થાય છે.