રાપરના આડેસરમાં જૂની અદાવતમાં યુવાનને માર મારી છરીના ઘા ઝીંકાતા ફરિયાદ નોંધાઈ

રાપર તાલુકાના આડેસર ગામમાં અમારી સાથે તારો ઝઘડો થયો છે છતાં સામે કેમ આવે છે કહી ચાર લોકોએ યુવાનને ગડદા પાટુનો માર માર્યા બાદ છરીના ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે દાખલ કરાઇ છે. ફરિયાદના પગલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
આડેસરના પીપરાણીવાસમાં રહેતો 20 વર્ષીય અલ્તાફ દિનમામદ હિંગોરજા ગત સાંજે છ વાગ્યે તેના મિત્ર ફારુક સાથે બસ સ્ટેશન નજીક આવેલી મોહસિનની હોટલે ચા પીતા હતા તે દરમિયાન ત્યાં આવેલા ફિરોજ તારમામદ હિંગોરજા, મુબારક તારમામદ હિંગોરજા, હુસેન તારમામદ હિંગોરજા અને તારમામદ ઇસ્માઇલ હિંગોરજાએ તારો અમારી સાથે પૂર્વે ઝઘડો થયો છે છતાં અમારી સામે કેમ આવે છે? કહી ગડદા પાટુનો માર માર્યા પછી ચારે જણાએ છરી કાઢી ફિરોજે ડાબા હાથની આંગળી પર, મુબારકે પીઠના ભાગમાં તથા હુસેને સાથળના ભાગમાં છરી મારી ઇજા કરી હતી તારમામદ છરી મારવા જાય ત્યાં ફારુકે તેને બચાવ્યો હતો. ચારે જણાએ હવે સામે મળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. તેણે ચારેય સામે આડેસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        