અંજાર ભીમાસર રોડ પર બાઇક પરથી પડી જતાં પુત્રની નજર સામે પિતાનું મોત નીપજયું

અંજારના ભીમાસર રોડ પર વેલસ્પન વિદ્યા મંદિર સામે ખાડાને લીધે બાઇક ચાલકે કાબુ ગુમાવી દેતા પાછળ 7 વર્ષીય પુત્ર સાથે સવાર પિતાનું પુત્રની નજર સામે મોત થયું હોવાની ઘટના અંજાર પોલીસ મથકે દાખલ થઈ છે. અંજાર રહેતા અને વેલસ્પન કંપનીમાં નોકરી કરતા ભાવેશભાઇ શંકરાભાઇ પ્રજાપતિ તા.10/11 ના રોજ તેમના મિત્ર હરેન્દ્રસિંહ ઝાલા સાથે પોતાના 7 વર્ષીય પુત્ર નૈતિકને લઇ બાઇક પર કબરાઉ મોઘલધામ દર્શન કરવા માટે ગયા હતા.

ત્યાંથી પાછા ફરતા સમયે તેઓ ભીમાસર રોડ પર આવેલા વેલસ્પન વિદ્યા મંદિર સામે પહોંચ્યા ત્યારે ખાડાને લીધે બાઇક ચલાવી રહેલા હરેન્દ્રસિંહ ઝાલાએ કાબુ ગુમાવી દેતા પાછળ સવાર ભાવેશભાઇ રોડ પર પટકાતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને અંજાર સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પત્ની ગીતાબેને કરેલી વાતના આધારે મૃતકના અમદાવાદ રહેતા ભાઇ વિરેન્દ્રભાઇ શંકરાભાઇ પ્રજાપતિએ બાઇક ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી હતી