શિણાયમાં આડા સબંધની બબાલમા સમાધાન અર્થે બોલાવી યુવાનની હત્યા કરાઇ
આદિપુર પાસે શિણાયમાં આડા સબંધ અંગે પાંચ-છ દિવસ અગાઉ થયેલી માથાકૂટ બાદ યુવકને સમાધાન માટે બોલાવી દંપતિએ પાવડાના હાથા જેવા હથિયારથી ઘાતકી હત્યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. શિણાય મધ્યે દેના ગ્રામિણ બેંક પાસે રહેતા મુળ ગોંડલના પાટછદડ ગામના 32 વર્ષીય મયુરભાઇ રમણિકભાઇ કાછડે આદિપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગુરૂવારે સાંજે તેઓ આદિપુર ઓફિસે પાછા ફરી રહ્યા હતા.
તે દરમિયાન તેમના નાના ભાઇ અંકિતે ફોન કરી ઓફિસે મળવા ગયો હતો અને પોતાને પીજીવીસીએલની પરિક્ષા હોવાથી વતન જવાનું છે પણ પાંચ-6 દિવસ પૂર્વે નજીક રહેતા ભાવેશ ધનજી વાણીયા અને તેની પત્ની સંગીતા જોડે તેની બોલાચાલી થયેલી.આ મામલે સમાધાન કરવા મળવા બોલાવ્યો છે તેમને મળી વતન જવા નિકળીશ કહેતાં મયુરભાઇએ અંકિતને જવાની જરૂર નથી કહ્યું હતું.
પણ અંકિત જવાબ આપ્યા વિના નિકળી ગયા બાદ મોડી રાત્રે દસ વાગ્યે મોટા ભાઈ મયૂરનો પરિવાર સૂવાની તૈયારી કરતો હતો ત્યારે પોલીસે તેમને અંકિતની હત્યા થઈ ગઈ હોવાની જાણ કરી રામબાગ હોસ્પિટલે બોલાવાયા હતા. ભાવેશ અને સંગીતાના વાડામાંથી અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ દંપતીએ કાવતરું રચીને અંકિતને સમાધાનના બહાને બોલાવી તેના માથા, પગમાં હથિયાર વડે ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી હોવાની મયૂરે આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.ઘટનાના પગલે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ દોડી જઈ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સંગીતા સાથેના કથિત આડા સંબંધો અંગે થોડાં દિવસ પૂર્વે માથાકૂટ થઈ હતી. જે બાબતે દંપતીએ તેને પોતાના વાડામાં બોલાવી પાવડાના હાથા વડે ફટકાં મારતાં ગંભીર ઈજાઓથી અંકિતનું મોત થયું હતું.