મીઠીરોહરથી ડીગ્રી વગર લોકોની દવા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

ગાંધીધામ પાસે મીઠીરોહર નજીક ઓરડીમાં કોઇપણ જાતની માન્ય ડીગ્રી વિના પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઇ એ.બી.પટેલને મળેલી બાતમીના આધારે મીઠીરોહર નજીક આવેલા લક્ષ્મણ ટીમ્બરની બાજુની ઓરડીમાં રેડ પાડતા કોઇપણ જાતની માન્ય ડીગ્રી વિના પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મુળ પશ્ચિમ બંગાળના 12 ધોરણ પાસ બીટુ ચીત્તરંજન સમાજપતીને પકડી પાડી તેના કબજામાંથી મેડિકલના સાધનો, એલોપથી દવાઓ, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.5,155 નો મુદ્દામાલ કબ્જે કરી મેડીકલ પ્રેકટીસ એક્ટ ની કલમ 30 તથા 35 મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મીઠીરોહર નજીક ઓરડીમાં કોઇપણ ડીગ્રી વિના તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા બિલ્ટુ સમાજપતિને પૂર્વે ગત વર્ષે તા 30/06/2021 ના રોજ પોલીસે આ જ સ્થળેથી પ્રેક્ટિસ કરતાં પકડી પાડ્યો હતો અને તેની સામે ગુનો દાખલ કર્યો હતો . પશ્ચિમ બંગાળનો બિલ્ટુ છેલ્લા આઠ નવ વર્ષથી મીઠીરોહરમાં ડોક્ટર તરીકે ઓળખ આપી ગેરકાયદેસર રીતે એકવાર ઝડપાયા પછી પણ બેખોફ રીતે પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ વિસ્તારમાં આવા અનેક બોગસ ડોક્ટર ધંધો કરી રહ્યા છે ત્યારે આવા તત્વોને કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.