રાપરના ગાગોદર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી

copy image

કચ્છથી ઉત્તર ગુજરાત તરફના સામખીયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આજે બપોરે કાનમેર ગાગોદર વચ્ચે આડેસર બાજુ કેમિકલ ભરીને જતા એક ટેન્કરમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જ્વાળાઓના લીધે આકાશમાં ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા હાઇવે માર્ગ પર દૂર સુધી જોવા મળ્યા હતા. ભયાનક આગના લીધે ગાગોદર તરફ આગળ જતાં વાહનો સલામતીના ભાગરૂપે ઉભા રહી જતા 3 કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી ગઈ હતી. સદભાગ્યે આ બનાવમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત પછી ટેન્કરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર આડેસર તરફ આગળ વધી રહેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટના બપોરના 1 વાગ્યાની આસપાસ બની હતી. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી એક તરફના માર્ગે વાહન ચાલકો સલામતીના ભાગરૂપે ઉભા રહી ગયા હતા , જેના લીધે ત્રણેક કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી હતી. ભચાઉ સુધારાઈના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આ કામગીરીમાં ફાયર ટીમમાં પ્રવીણ દાફડા સહિતના કર્મી જોડાયા હતા.હતા. ત્યાં સુધીમાં ટેન્કર આગમાં સળગીને ભસ્મ થઈ ગયો હતો.