દહેગામની હરિઓમ સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધ સંચાલિત જુગારધામથી ચાર જુગારી પકડાયા

દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરીઓમ સોસાયટીમાં 66 વર્ષીય વૃદ્ધ દ્વારા ચલાવવામાં આવતાં જુગાર ધામ ઉપર દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ચાર જુગારીઓને 10 હજારની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે એક જુગારી ઘરની રૂમના પાછળ દરવાજેથી નાસી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં 66 વર્ષીય કનુભાઈ મંજીભાઈ પ્રજાપતિ પોતાના મકાન નંબર – 11 માં ઘણા સમયથી બહારથી જુગારીઓને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની દહેગામ પોલીસને બાતમી મળતા પીઆઈ બી બી ગોયલની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી.

પોલીસને જોઈને કુંડાળું વળીને જુગાર રમતાં જુગારીઓએ ગંજીપાના ફેકી દીધા હતા. જ્યારે એક શખ્સ રૂમના પાછળના દરવાજાથી પતરાવાળા ભાગથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસે જુગારીઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ કનુભાઈ મંજભાઈ પ્રજાપતિ, મનોજભાઈ કાંતીભાઈ પ્રજાપતિ, બકાજી તેખા પરમાર(રહે. હરિઓમ સોસાયટી) અને ભાનુભાઈ બાબુભાઈ વાઘેલા(રહે.મોચીવાસ સાત ગળનારા પાસે દહેગામ) હોવાનું કબૂલ્યું હતું. ત્યારે નાસી ગયેલ ઈસમનું નામ સમીર ઉસ્માનભાઇ લૂહાર રહે.નવદુર્ગા ચાલી સ્ટેશન રોડ દહેગામ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગઝડતી અને દાવ પરથી 10 હજાર 200 ની રોકડ, જુગારનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.