મૂળીના ખંપાળિયા ગામમાં ઘરેણા, રોકડા સહિત 1.50 લાખની કરાઇ તસ્કરી

મૂળી તાલુકાનાં ખંપાળિયા ગામમાં મોટાભાગનાં લોકો વાડીએ મકાન બનાવી રહે છે. પતિ પત્નિ બહાર ગયાનો મોકો ઉઠાવી ચોરે ધોળા દિવસે ચાંદી, રોકડ સહિત 1.50 લાખની મતાની તસ્કરી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ખંપાળિયા ગામમાં રહેતા જાદુભાઇ સતાભાઇ વસવેલિયા અને તેમનાં પત્નિ પાકને પાણી પીવડાવા માટે ગયા હતા અને બાદમાં લૌકિક ક્રિયાએ ગયા પછી કોઇ અજાણ્યા ઈસમ ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલ 2 ચાંદીના કડલા, 2 ચાંદીનાં સરલ, 1 ચાંદીની લકી તથા કપાસનું વેચાણ કરી રાખેલ 1.25 લાખ રોકડા સહિત 1.50 લાખની મતા સાફ કરી ગયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.જ્યારે પ્રાથમિક તપાસમાં જે ઈસમ ચોરી કરવા આવ્યો છે તેને બૂટ પહેરેલ છે અને તેનાં પગલા રાયસંગપર તરફ ગયા હોવાનું જાણવા મળ્યું છે.