રક્ષિતવન અભયારણ્યમાં જંગલખાતાની મીઠીનજર હેઠળ મીઠાનું ગેરકાયદેસર ખનન વેગવાન

copy image

ભચાઉ તાલુકાના કડોલના અભયારણ્યમાં વનવિભાગની મીઠીનજર હેઠળ મીઠાનું ગેરકાયદે ખનન થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કરી વનવિભાગ સામે કાર્યવાહીની માગણી કરી. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, તાલુકાના કડોલ, ચોબારી ગામની સીમના ટાવર્સના સર્વે નંબરોનો વિસ્તાર વન્યપ્રાણી ધારાની કલમ 18 હેઠળ કચ્છ વન્ય પ્રાણી અભ્યારણ તરીકે જાહેર કરાયો છે. જે મુજબ આ વિસ્તારમાં બિનજંગલ પ્રવૃતિઓ પર સખત પ્રતિબંધ છે તેમ છતાં જિલ્લા તંત્રે સોલ્ટ ઉત્પાદન માટે ખાનગી શખ્સોને લીઝમાં અભ્યારણની જમીનો મંજૂર કરી આપી હતી.

જેથી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે અદાલતે પણ આ અભ્યારણ વિસ્તારમાંથી મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મુકવા હુકમ કર્યો હતો તેમજ મીઠા ઉત્પાદનની લીઝની માંગણીઓ નામંજૂર કરી હતી. અહીં દબાણ દૂર કરવાનો આદેશ હોવા છતાં ખુદ વનવિભાગે 10 થી 15 કિ.મી. વિસ્તારમાં મીઠા ઉત્પાદનની પ્રવૃતિને ગેરકાયદેસર પ્રોત્સાહન આપ્યું હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. કડોલ નજીક રણ વિસ્તારના અભ્યારણમાં આ બેફામ મીઠા ઉત્પાદનની પ્રવૃતિને કારણે ખેતીલાયક જમીનો ક્ષારવાળી થઈ ગઈ છે.

તળાવોના પાણી મીઠાના ક્ષારના કારણે પીવાલાયક રહ્યા નથી. તેમજ સીમાડાના રસ્તા પણ અભ્યારણ હેઠળ વનખાતાના અધિકારીઓએ બંધ કરતા અને માત્ર મીઠા ઉત્પાદનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સોને પોતાની દેખરેખ હેઠળ છુટોદોર મળ્યો છે. આવા આક્ષેપ સાથે કડોલના ગ્રામજનો મેરામણ ગણેશા બારેચા, રણછોડ કરશન વરચંદ, લાલા ભચુ ઢીલા, બેચરા કરશન બારેચા,સામજી સાજણ ડાંગર સહિતે વનવિભાગ અને જિલ્લા કલેકટરને ઉદેશીને પત્ર લખી કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.