જામનગરમાં ગાયને રોટલો દેવા ઉભેલા વૃદ્ધાને બાઈકે ઠોકરે લેતા, ઇજા થતાં ફરિયાદ નોંધાઈ

જામનગર શહેરની ભાગોળે સમર્પણ હોસ્પીટલ રોડ પર બાલમુકંદ નગર વિસ્તારમા઼ ગાયને રોટલો દેવા માટે રોડ સાઇડ પર ઉભા રહેલા વૃધ્ધાને કોઇ અજાણ્યા બાઇકચાલકે ઠોકરે લેતા ઇજા પહોચાડયાની ફરીયાદ દાખલ કરાઇ છે.પોલીસે ઘવાયેલા વૃધ્ધાની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી અકસ્માત સર્જીને ભાગી ગયેલા અજાણ્યા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સમર્પણ હોસ્પીટલ રોડ પર રેલ્વે ફાટકની બાજુમાં બાલમુકુંદનગરમાં રહેતા નાથીબેન રામજીભાઇ સોનગરા (ઉ.વ. 70) નામના વૃધ્ધા રાત્રે પોતાના ઘરની બહાર રોડ ઉપર ગાયને રોટલો નાખવા માટે રોડની કિનારી પર ઉભા હતા. તે સમયે અચાનક પુરપાટ ઝડપે ધસી આવેલા એક બાઇકચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો.

જે અકસ્માતમાં વૃધ્ધાને હાથ-પગના ગંભીર ઇજા થતાં તરત સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જી અજાણ્યો બાઇકચાલક ભાગી ગયો હોવાનુ ખુલ્યુ હતુ. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત વૃધ્ધાની ફરીયાદ પરથી પોલીસે અકસમાતનો ગુનો દાખલ કરી ભાગી ગયેલા ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.