રીક્ષા પલ્ટી મારી જતાં પટકાયેલા ચાલક ઉપર ટ્રક ફરી વળતા મોત નીપજયું

કોડીનાર- ઊના હાઈવે પર ગત મોડી રાત્રીનાં એક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને ચાલક નીચે પડી જતા પાછળથી આવતો ટ્રક ફરી જતા રીક્ષા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું  હતું. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર કોડીનાર- ઊના હાઈવે પર ગત મોડી રાત્રીના સુત્રાપાડા તાલુકાનાં રાખેજ ગામનાં રામસિંહભાઈ લાખાભાઈ સોલંકી પોતાની રીક્ષા લઈને આવી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક રીક્ષા પલ્ટી ગઈ હતી અને રામસિંહભાઈ નીચે પડી જતા પાછળથી આવતા ટ્રકના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ રામસિંહભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો અને ભાગી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.