માંગરોળના માનખેત્રાથી તમંચા સાથે ઈસમ પકડાયો

વિધાનસભાની ચૂંટણીને લઇ ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેશોદ માંગરોળ બાયપાસ પર પેટ્રોલીંગ દરમિયાન એલસીબી પીએસઆઇ જે.જે. ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઇ સમાને બાતમી મળી કે, માનખેત્રા ગામમાં બસ સ્ટેશન પાસે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. ત્યારબાદ રેડ પાડી ઈસમને ઝડપી લેવાયો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો(તમંચો) કિંમત રૂપિયા 5,000નો મળી આવ્યો હતો. વધુ પૂછપરછમાં તેનું નામ એજાજ ઉર્ફે એજલો યુસુફભાઇ સલોટ હોવાનું અને શારદાગ્રામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ તમંચો તેણે મધ્યપ્રદેશના ભીંડથી અલ્કેશ ઠાકુર પાસેથી 7 મહિના અગાઉ 7,000માં ખરીધ્યો હોવાનું પણ કબુલ્યુ હતું. આરોપીને વધુ કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.