જૂનાગઢના ભારતી આશ્રમમાંથી ચોરી કરનાર આરોપીને એલસીબીએ ઝડપ્યો

જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમમાં 65,000ની ચોરી કરનાર રાજકોટના ઈસમને એલસીબીએ જૂનાગઢના ઢાલ રોડ પરથી પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર ભવનાથના ભારતી આશ્રમની ગુરૂગાદી રૂમના તાળા તોડી ચાંદીની થાળી, વાટકા, ગ્લાસ,ચાંદીની લાકડી વગેરે મળી 65,000ની ચોરી થઇ હતી. આ બાબતે ભવનાથ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી.

આ દરમિયાન ચોરીના આરોપીને પકડી પાડવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાના પગલે એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.એમ. જલુ, ભવનાથ પીએસઆઇ એમ.સી. ચુડાસમા અને સીસીટીવી કેમેરા નેત્રમ શાખાના પીએસઆઇ જે.એચ. મશરૂની જુદી જુદી ટીમે તપાસ હાથ ધરી હતી.

ચોરીમાં રાજકોટના નરેશ ઉર્ફે નરીયો ઉર્ફે નરૂ રમેશભાઇ ગીલગીલાણીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આ ઈસમ જૂનાગઢના ઢાલરોડ પર આંટા મારતો હોવાની બાતમી મળતા તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી પીળી ધાતુનું પેન્ડલ કિંમત 15,430નું અને રોકડા 49,870 મળી કુલ 65,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછમાં આરોપીએ 3 મહિના પૂર્વે સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીને આગળની તપાસ માટે ભવનાથ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.