ગાંધીધામમાં ડીપીએના પ્લોટ ડમ્પીંગ યાર્ડ બન્યા: કચરો ઠાલવી આગ ચાંપી દેવાતા લોકો પરેશાન
copy image
ગાંધીધામમાં ડીપીએના ખાલી પ્લોટ જાણે ડમ્પીંગ યાર્ડ બની ગયા હોય તેમ કચરો ઠાલવીને તેને આગ લગાવી દેવાની ઘટનાઓ વધી રહી છે, છેલ્લા ઘણા સમયથી આ વલણથી પરેશાન સેક્ટર 5ના રહેવાસીઓએ ત્રીજી વાર ડીપીએ કચેરીમા મોરચો લઈને ધસી ગયા.
પહેલા ચેરમેન અને ડે. ચેરમેન તથા ત્યારે મુખ્ય એન્જિનીયરને મળવાનો પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા પછી ઉપસ્થિતો સમક્ષ પોતાની રજુઆત કરીને પૂર્વે આ કાર્ય માટે જવાબદાર પોર્ટ અધિકારી ગોહિલ સમક્ષ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમની બાહેંધરી છતાં કોઇ કામ થયું હતું નહિ. સમસ્ત કચ્છી સતવારા સમાજ સેક્ટર 7ના નેજા હેઠળ આપેલી રજુઆત મુજબ ડિપીએની જગ્યા પર લગાતાર વેસ્ટ પ્લાસ્ટીક અને કચરો નાખીને તેમાં આગ લગાડી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી સેક્ટર 5 આખામાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં પાણી જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
આ બાબતે લેખીતમાં ડીપીએ, નગરપાલિકા અને મામલતદારમાં રજુઆતો છતાં કોઇ નિરાકરણ નથી આવ્યું અને રોજેરોજ આ સમસ્યાઓ વધતી જય રહી છે. સતત ત્રીજી વાર સ્થાનિકો પોર્ટ કચેરી ધસી આવ્યા હતા અને પોતાની આપવીતી કહી સંભળાવીને પોર્ટ ચેરમેન અને ડે. ચેરમેનને જાણીબુજીને મળવા ન દેવામાં આવતા હોવાની લાગણી પણ વ્યક્ત કરાઈ રહી હતી.
વારંવારની ઉઠતી ફરિયાદો પછી પોર્ટ પ્રશાસન દ્વારા મોડે મોડે જાગીને પ્લોટ પર ચોકીદારો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રશાસને લોકરોષને જોતા 24 કલાક નિયમીત રુપે દરેક સમયે 2 સિક્યોરીટી ગાર્ડ હાજર રહે તેવો નિર્ણય કરીને તેને તૈનાત કરવામાં આવ્યા હતા.
જ્યારે આ પ્રશ્ન ઉભો થાય છે કે થોડા થોડા સમયગાળા માટે પોર્ટ પ્રશાસન હંગામી વ્યવસ્થાઓ ઉભી કરે છે, પરંતુ તે થોડા સમયમાં ફરી જુનું સ્વરુપ ધારણ કરતા સ્થાનિક રહેવાસીઓને પારાવાર સમસ્યાઓ ભોગવવી પડે છે. ત્યારે ખરેખર તો સિક્યોરીટી ગાર્ડ રાખવા જેવી નહિ પરંતુ આ સમસ્યાનું કાયમી ઉકેલ આવે તે સ્તરના પ્રયત્નો હાથ ધરવામાં આવે તે જરૂરી હોવાનો સુર લોકોમાં ઉઠી રહ્યો છે.