ઈન્કમટેક્સ વિભાગની ટીમે ભુજ એરપોર્ટ પર રોકડની હેરફેર અટકાવવા ખાનગી ચાર્ટડની તપાસ શરૂ કરી
વિધાનસભા ચૂંટણીને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે તો રોકડની હેરફેર અટકાવવા માટે ઇન્કમટેક્સ વિભાગની ટુકડી દ્વારા ભુજ એરપોર્ટ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર હાલમાં આચારસંહિતાને પગલે એરપોર્ટ પર દરરોજની ભુજ, અમદાવાદ તથા મુંબઈની ફ્લાઈટની સાથે ખાનગી ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર પણ આવી રહ્યા છે તો આ ખાનગી વિમાનોમાં રોકડ સહિતની સંદિગ્ધ વસ્તુઓની હેરાફેરી ન થાય તથા ચૂંટણીને લગતા અન્ય કોઈ સામાનની હેરફેરી ન થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગની ખાસ ટુકડીને એરપોર્ટ પર જવાબદારી સોંપાઈ છે.
તેઓ દ્વારા ખાસ કરીને જે વ્યક્તિઓ પ્રાઇવેટ ચાર્ટડમાં આવી રહ્યા છે તેઓના વિમાનની અને સામાનની તપાસ કરાઇ રહી છે ઉપરાંત રૂટીન ફ્લાઈટમાં આવતા અને શંકાસ્પદ જણાતા મુસાફરોની બેગ તપાસવાનું પણ શરૂ કરી દેવાયુ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યુ કે બે અધિકારીઓને આ માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે.