પધ્ધર પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સા જઈને ડ્રગ્સ પેડલરને નાટકયાત્મરીતે ઝડપી પાડ્યો
હાલમાં ભુજ એસઓજીએ માધાપર હાઇવે પરથી નખત્રાણા તાલુકાના ધાવડા ગામના દેવીસિંહ ભચલસિંહ સોઢા તથા અનિલકુમાર વિઠ્ઠલદાસ સાધુને ટ્રક નંબર GJ 12 BX 6390 સાથે ખોજા કબ્રસ્તાન સામે અટકાવયા હતા.જ્યાં ટ્રકની કેબિનમાંથી 30 હજારનો 3 કિલો ગાંજો અને દારૂની બોટલો મળી આવી હતી.પૂછપરછ કરતાં ધાવડાના બંને શખ્સોએ ઓરિસ્સાના બાલાંગડી મધ્યેથી ગાંજો ખરીદી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. આ અંગે માધાપર પોલીસમાં એનડીપીએસ અને પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની ક્રોસ તપાસ પધ્ધર પોલીસને સોંપાઈ છે. જેથી પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સાથે ટીમ આરોપીને સાથે રાખી ઓરિસ્સા જવા માટે નીકળી હતી.
પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું કે,પ્રથમ પડકાર અજાણ્યા શહેરમાં જઈને અજાણ્યા આરોપીને શોધવાનો હતો. પદ્ધરથી પોલીસ જીપમાં પીએસઆઈ સહિત કર્મચારીઓ 1800 કિલોમીટરનું અંતર કાપીને ઓરિસ્સા પહોંચ્યા અને એક દિવસ સ્થાનિકે સર્વે કરી રેકી ગોઠવી ત્યારબાદ બીજા દિવસે જે વ્યક્તિએ ધાવડાના ઈસમને માલ આપ્યો હતો તેને ફોન કરીને વધુ માલ જોઈએ છે તેમ કહી બોલાવવામાં આવ્યો હતો.
આ આરોપીને રંગેહાથ ઝડપવાનો હોવાથી પોલીસ કર્મચારીઓએ વોચ ગોઠવી હતી. જેમાં એક કર્મચારી પેસેન્જર બન્યો અને રીક્ષા રોકવા માટેનો પ્રયત્ન કર્યો, એક કર્મચારી ચા પીવા માટે કેબિનમાં ગયા, અન્ય લોકો આસપાસમાં ગોઠવાઈ ગયા જેથી કોઈને શક ન જાય કે આ પોલીસવાળા છે.આ દરમ્યાન આરોપી હરીબંધુદાસ ગાંજો લઈને આવ્યો જેથી તરત જ પીએસઆઈ વનરાજસિંહ ઝાલા તથા તેમની ટીમે આરોપીને ચારેબાજુથી ઘેરી લઈ રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટનાથી હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પદ્ધર પોલીસે ઓરિસ્સા પહોચીને એકલા હાથે ઓપરેશન પાર પાડ્યું હતું જેને લઈને સ્થાનિક પોલીસ પણ અચંબભીત થઈ હતી. 1800 કિલોમીટરનો બાય રોડ સફર કરી રાત-દિવસ રઝળપાટ કરીને ગયેલી પદ્ધર પોલીસની ટીમ ફરી 1800 કિલોમીટરનું અંતર કાપીને બાય રોડ પાછા કચ્છ આવી પહોંચી હતી.પધ્ધર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ મીરાણી, ડ્રાઇવર મયુરસિંહ રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.