આદિપુરના તોલાણી સર્કલ પાસે આવેલી હોટલ સંચાલકને પૈસા બાબતે માર મારી તોડફોડ કરતાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આદિપુર તોલાણી સર્કલ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં જમવા આવેલા શખ્સોએ પૈસા બાબતે હોટલ સંચાલક સાથે બોલાચાલી કરી લાકડી વડે માર મારી તોડફોડ કરી હોવાના બનાવમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે આદિપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા પછી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચૂંટણીના માહોલમાં હથિયારબંધી છે તે સમયે આવા તત્વો ગાડીમાં લાકડી અને ધોકા જેવા હથિયાર રાખી મારકૂટ કરતા હોવાની ચર્ચા વેગવાન બની હતી.
અંજારના મેઘપર બોરીચીના ગાયત્રી નગરમાં રહેતા અને આદિપુરમાં તોલાણી સર્કલ ચાર રસ્તા પાસે આશાપુરા પરોઠા હાઉસ નામની હોટલ ચલાવતા મુકેશ પરષોત્તમ ખેમચંદાણીએ દાખલ કરાવેલ ફરિયાદને આધારે આદિપુર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઘટના રાત્રે સાડા દશ વાગ્યે બની હતી. જેમાં અજાણ્યા ત્રણ શખ્સો તેમની હોટલમાં જમવા આવ્યા હતા. જમી લીધા પછી બીલ અંગે બોલાચાલી કર્યા પછી આ ત્રણ શખ્સોએ હોટલ સંચાલકને ધક બુશટનો માર મારી હોટલમાં લાકડીથી તોડફોડ કરી ધોકા વડે તેમને પીઠના ભાગમાં ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.