કચ્છમાં ભાજપનો આક્રમક પ્રચાર

18 નવેમ્બરે ગુજરાતમાં મોટા નેતાઓએ અનેક સભાઓ ગજવી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપે એ-વન પ્રચારકોને ગુજરાતના મેદાને ઉતાર્યા.. કચ્છમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્મા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સભાઓ સંબોધી હતી. સાથે જ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જનતાને અપીલ પણ કરી હતી.

વડાપ્રધાનને કલ્પવૃક્ષ સાથે સરખાવી શિવરાજસિંહે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને મુન્દ્રાના ભુજપુર અને નખત્રાણાની સભામાં આડેહાથ લીધા હતા. સાથે જ ભાજપને વિજયી બનાવવા માટે આપીલો કરી હતી. આ બે વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય તથા પરપ્રાતીયોને આકર્ષવા માટે શિવરાજસિંહ કચ્છ આવ્યા હતા. તો બીજી તરફ આસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ અંજારમાં રોડ-શો અને સભાને સંબોધન કર્યા પછી ગાંધીધામમાં સભાને સંબોધિત કરી, જેમાં તેમણે કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

                                                            

રાપર સભામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કચ્છમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. રાપરમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવેલા વજુવાળાએ કચ્છના વાગડ વિસ્તારની સ્થિતિ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તો રાહુલગાંધીના વીર સાવરકર અંગેના નિવેદન અંગે પણ તેઓએ કોગ્રેસની ટીકા કરી હતી ખાસ કરીને ગાંધી, લાલા લજપતરાય, સુભાસચંદ્ર બોઝની કોગ્રેસ નથી તેવો કટાક્ષ કરી ઇન્દિરા ગાંધી પરિવારની કોંગ્રેસ હોવાનુ કહી કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

વજુભાઇ વાળાના પ્રચાર સમયે રાપરના ભીમાસરમાં યોજાયેલી સભામાં કોગ્રેસના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા હતા. વજુભાઇએ ગુજરાતમાં ભાજપ મોટી બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ વિસ્તારમાં કોળી તથા રાજપુત સમાજની મોટી વસ્તી છે. તેવામાં અત્યારે કોંગ્રેસની બેઠક પર જીતનુ ગણિત બદલવા માટે વજુભાઇને ભાજપે રાપરના ચૂંટણીના મેદાને ઉતાર્યા.

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે કચ્છમાં પણ ચૂંટણી પ્રચાર ઝડપી કર્યો છે. આવનારા દિવસોમાં અમિત શાહ તેમજ નવેમ્બરના અંતમાં વડાપ્રધાન પણ કચ્છમાં ચૂંટણી પ્રચાર કરે તેવો કાર્યક્રમ બનાવાઇ રહ્યો છે.