નાનાવરાછા ફ્લાયઓવર બ્રીજ નીચે પગપાળા પસાર થતાં યુવકને બસે અડફેટે લેતા યુવકનું મોત
નાનાવરાછા ફલાયઓવર બ્રિજ નીચેથી પગપાળા પસાર થતા એક અજાણ્યા યુવકને અજાણ્યા બસ ચાલકે ઠોકરે લેતા ગંભીર રીતે ઇજા પામેલા યુવકનું ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. નાના વરાછા ઢાળ નજીક ફ્લાય ઓવર બ્રિજ નીચેથી એક અજાણ્યો આશરે 45 વર્ષીય યુવક પગપાળા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટે પસાર થતા એક અજાણ્યા બસ ચાલકે યુવકને ઠોકરે ભાગી ગયો હતો.
આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા અજાણ્યા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર પછી યુવકનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરાઈ હતી. આ અંગે પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અજાણ્યા યુવકની ઓળખના પ્રયત્નો હાથ ધરાયા છે.