તારાપુર- વટામણ હાઇવે પર ચાલુ બાઇકે ચક્કર આવતા રોડ ઉપર પટકાયેલા ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત
તારાપુર-વટામણ સીક્સ લેન રોડ પર ઇન્દ્રણજ દરગાહ નજીક ચાલુ બાઈકે ચક્કર આવતાં રોડ પર પટકાયેલા યુવકનું મોત નીપજયું જ્યારે બીજાને ઈજા પહોચી હતી. ધોળકા તાલુકાના વટામણ ગામના મયુર કિરીટભાઇ ડાભી (ઉં.વ.20) અને સિદ્ધરાજસિંહ કિરીટસિંહ ડાભી (ઉ.વ.18) બે સગાભાઇઓ બપોરે બાઇક લઇને તારાપુરના મહિયારી ગામમાં સંબંધીને ત્યાં જવા માટે રવાના થયા હતા. ત્યારે બપોરના 2:00 વાગ્યાની વેળામાં તારાપુર વટામણ હાઇવે પર ઇન્દ્રણજ દરગાહ નજીક બાઈક ચાલક મયુરને ચક્કર આવતા બાઈક ડીવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી.
બાઈક ડિવાઇડર સાથે ટક્કરાતા બંને યુવકો રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. અકસ્માતમાં બાઈક ચાલક મયુર કિરીટભાઈ ડાભીને શરીર અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા સિધ્ધરાજસિંહને શરીરે ઇજાઓ તથા 108 મારફતે તારાપુરની ખાનગી હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.