3 વર્ષથી દારૂના ગુનામાં ભચાઉના ફરાર આરોપીને લોડેડ પિસ્ટલ અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો

copy image

ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલ દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને બાતમીના આધારે પકડી પાડવા પહોંચેલી પોલીસને આરોપી લોડેડ પિસ્ટલ સાથે મળી આવતાં 6 જીવતા કારતૂસ સહિત રૂ.25,600 નો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ તળે પણ ગુનો દાખલ કર્યો હતો.

ભચાઉ પીઆઇ ઝેડ.એન.ધાસુરાના જણાવ્યા અનુસાર, ચૂંટણી અનુસંધાને ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપવા પેટ્રોલિંગ દરમિયાન જુની મોટી ચીરઇ નજીક પહોંચતાં તેમને બાતમી મળી હતી કે, ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલા વિદેશી દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મુકેશસિંહ મોહનસિંહ ઝાલા નંદગામથી જુની મોટી ચીરઇ તરફ જઇ રહ્યો છે આ બાતમી મળતાં જ કોર્ડન કરી ઝડપી પાડી તેની જડતી લેતાં તેના કબજામાંથી લોડેડ પિસ્ટલ મળી આવી હતી. ઉપરાંત 6 જીવતા કારતૂસ અને પિસ્તોલ મળી કુલ રૂ.25,000 નો મુદ્દામાલ કબ્જે કરી તેના સામે હથિયારધારા હેઠળ પણ ગુનો દાખલ કરાયો હતો. ઝડપાયેલા આરોપી સામે ભચાઉ, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથક તેમજ અંજાર પોલીસ મથકમાં પણ દારૂના ગુના દાખલ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કામગીરીમાં ભચાઉ પોલીસની ટીમ જોડાઇ હતી.