જવાહરનગર પાસે એક BA તો બીજો BSc પાસ બોગસ ડોક્ટરને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીધામ પાસેના જવાહરનગર નજીક કોઇપણ માન્ય ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા એક બીએસસી પાસ તો બીજા બીએ પાસ બોગસ ડોક્ટરને ઝડપી રોકડ, દવાઓ અને સાધનો સહિત 7 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પીઆઇ એ.બી.પટેલના જણાવ્યા અનુસાર, તેમને મળેલી બાતમીના આધારે ગાંધીધામ તાલુકાના આદિપુર પ્રાઇમરી અર્બન હેલ્થ ઓફિસર ડો.આદિલ જાહિરભાઇ કુરેશીને સાથે રાખી જવાહરનગર અર્બુદા હોટલ બાજુમાં બાલાજી કાંટા નજીક આવેલી દુકાનમાં દિવાંશી ક્લીનિકમાં દરોડો પાડી કોઇ પણ માન્ય ડીગ્રી વિના પોતે બીએસસી પાસ હોવાનું જાણવા છતાં પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહેલા મુળ બિહારના હાલમાં વરસામેડીની અરિહંત સોસાયટીમાં રહેતા મનિષકુમાર નવલકિશોર પ્રસાદને રૂ.2,500 ની કિંમતના દવાઓ અને મેડીકલના સાધનો તેમજ રૂ.500 રોકડ સહિત કુલ રૂ.3,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના સામે ગુનો દાખલ કર્યો હતો.

તેમજ આ જ જગ્યા પાસે આવેલી શેખર ક્લીનિકમાં રેડ પાડતા પોતે બીએ પાસ હોવાનું જાણવા છતાં કોઇપણ માન્ય ડીગ્રી વિના પોતાને ડોક્ટર તરીકે ઓડખ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મુળ પશ્ચિમ બંગાળના હાલમાં જવાહરનગરમાં જ રહેતા ચંદ્રશેખર શ્રીચિતરંજન સમાજપતિ પાસેથી રૂ.3,500 ની કિંમતના મેડિકલના સાધનો અને દવાઓ ઉપરાંત રૂ.500 રોકડ સહિત કુલ રૂ.4,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.