મહેસાણાના બાયપાસ CISF કોન્સ્ટેબલની બાઇકને ટ્રેક્ટરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો: પિતા-પુત્ર ઘાયલ, પત્નીનું મોત

મહેસાણાના CISF જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જઈ રહ્યા હતા ત્યારે હેડુવા રાજગર નજીક બાયપાસ પર સામેથી આવતાં ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતાં ત્રણેય જણાં નીચે પટકાઈ ગયા હતાં. આ ઘટનામાં જવાનની પત્નીનું મૃત્યુ નીપજયું હતું.

મહેસાણા પાલાવાસણાના સીઆઇએસએફ કેમ્પમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહારાષ્ટ્રના સતારાના મેઢ ગામના પ્રશાંત શિવાજી પવાર બપોરે બે વાગે પત્ની પ્રિયા અને ત્રણ વર્ષીય દીકરા દેવાંશને બાઇક (એમએચ 03 ડીડી 2499)માં લઇ મહેસાણા કેમ્પથી પાંચોટ સર્કલ ડી માર્ટમાં ઘરનો સામાન લેવા માટે જઈ રહ્યા હતા.તેઓ મહેસાણા બાયપાસ રાજગર (હેડુવા) બજરંગ મોટર્સની સામે બાપા સીતારામ રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસ નજીક પહોંચતાં સામેથી આવતા ટ્રેક્ટરે બાઇકને ઠોકરે લીધી હતી. જેમાં બાઇક સાથે ત્રણેય જણા રોડ પર પટકાતા પ્રિયાબેનને માથા અને ચહેરાના ભાગમાં ગંભીર પહોચતા ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજયું હતું.જ્યારે પ્રશાંતભાઇને પીઠ અને થાપામાં અને દીકરા દેવાંશને ખભા અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. બંનેને 108માં મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ ગાંધીનગર રીફર કરવામાં આવ્યા હતા.

પ્રશાંતભાઇ પવાર સ્વસ્થ થતાં તેમણે અકસ્માત વિષે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.