વડોદરા પાસેથી LCBએ ટ્રકમાં ગાંધીધામ-કચ્છ લઇ જવામાં આવતો59 લાખનો દારૂ ઝડપ્યો, 2ની કરાઇ અટકાયત

copy image
મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રકમાં લઇ જવામાં આવતો રૂપિયા 59 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પકડી લીધો હતો. પોલીસે આ ગુનામાં દારૂ લઈને જઈ રહેલા બે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ગાંધીધામ-કચ્છ મધ્યે’ લઈ જવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વિધાનસભાની ચૂંટણીઓમાં દારૂનો ઉપયોગ ન થાય તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ તથા નાકાબંધી કરવા માટે સૂચનાઓ અપાઈ છે. જેના સંદર્ભે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલોલ-વડોદરા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એમને માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક ગોધરા તરફથી વડોદરા થઈને ગાંધીધામ-કચ્છ તરફ જવાની છે.આ માહિતીના આધારે એલસીબીના પી.એસ.આઇ. એ.એમ. પરમાર તેમજ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, શક્તિસિંહ, સિદ્ધરાજસિંહ, કનુભાઇ અને બળદેવસિંહ સહિતના સ્ટાફને આમલીયારા ગામ નજીક વાંચમાં ગોઠવી દેવાઈ હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકાઈ હતી. ટ્રકમાં તપાસ કરતા ઢાકેલી તાડપત્રી નીચેથી 985 પેટી દારૂ મળ્યો હતો.
પી.આઈ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂની પેટીઓમાંથી 11,820 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 59,10,000 છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક જપ્ત કરી ટ્રકના ડ્રાઇવર તાજારામ ભગારામ પુનિયા (જાટ) રહે. અરણીયાલી ગામ, જિલ્લો-બાડમેર, રાજસ્થાન ) અને રાવતારામ શેરારામ બાના (જાટ) રહે. મોતીહેરી ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરાઇ છે. આ સાથે મોબાઇલ ફોન, ટ્રક, દારુનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 69,26,000 નો મુદ્દામાલ જપ્ત કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતો હતો તે અંગે ટ્રક ચાલકોની પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના રાજુ જાટે ભરાવ્યો હતો અને ગાંધીધામ-કચ્છ મધ્યે લઈ જવાતો હતો. ગાંધીધામ મધ્યે પહોંચીને રાજુ જાટને ફોન કરવાનો હતો ફોન કરાયા પછી તેઓ જ્યાં સ્થળ બતાવવાના હતા તે સ્થળે દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો. આ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદના આધારે જરોદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.