ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે પરની પ્લાયવૂડ ફેક્ટરીની ડ્રાઇંગ ચેમ્બરમાં અચાનક ભીષણ આગ ભભૂકતા દોડધામ મચી

copy image
ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ માતાપુરા ગામના પાટીયા નજીક સ્થિત પ્લાયવૂડની ફેક્ટરીમાં આવેલી ડ્રાઇંગ ચેમ્બરમાં રાત્રે અચાનક આગ લાગી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગતાં ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ફેક્ટરીમાં હાજર લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો સૌ પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ લાકડાને ડ્રાય કરવાની ચેમ્બરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતા. પ્લાયવૂડની ફેક્ટરીમાં આગ લાગી હોવાથી અંદર પ્લાય સહિતના સામાન સળગવા માંડ્યો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે જે ગઢવી અને લીડીંગ ફાયર મેન નરેશ પટેલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.ફાયરનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી હતી. ફાયરની ટીમે સતત ત્રણ કલાક સુધી આગ ઓલવવાની કામગીરી કરી મોટી દુર્ઘટના સર્જાતા અટકાવી હતી.