નર્મદાના સાગબારા પાસે બાઇક રોડની સાઈડ પરના વૃક્ષ સાથે ટક્કરાઈ જતાં 3 મિત્રોના મોત નિપજ્યાં

નર્મદા જિલ્લાના દેડિયાપાડા- સાગબારા હાઇવે પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાય જવાથી બાઇક રોડની સાઇડ પર ઉતરી જઈ વૃક્ષ સાથે ટક્કરાતા ત્રણ મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.

સાગબારાના પાનખલા ગામના ત્રણ યુવાનો હિતેશ જીતુ પાડવી, કુશો પાડવી અને આનંદ પાડવી બાઇક લઇને દેડીયાપાડા લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. પરત આવી રહયાં હતાં તે દરમિયાન બાઇક ચલાવી રહેલાં યુવાને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક રોડની સાઇડમાં ખાડીમાં પડીને વૃક્ષ સાથે ભટકાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનો આખી રાત તડપતા રહયાં હતાં. તો રાત વીતી જવા છતાં ત્રણેય યુવાનો પાછા નહિ આવતાં પરિવારજનો શોધખોળ કરવા માટે નીકળ્યાં હતાં પણ યુવાનોનો કોઇ પત્તો લાગ્યો હતો નહિ. અકસ્માતના કલાકો પછી કોઇ રાહદારીએ ત્રણેય યુવાનોને જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાગબારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતા ત્રણેય યુવાનોના મોત થયા હોવાની અને પાનખલા ગામના હોવાનું જણાતા તેમના વાલીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેય યુવાન ડેડીયાપાડા થી લગ્નમાંથી ઘરે સાગબારા આવતા હતા લાઈટ થી આંખ અંજાઈ જવાથી 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા જ્યાં ઝાડ સાથે ટક્કરાઈ જતા આખી રાત ત્યાંને ત્યાં રહ્યા હતા અને ગંભીર રીતે ઇજા પામ્યા હોવાથી તેમને હોશ જ આવ્યો ન હતો અને તેમના કરુણ મૃત્યુ થયા હતાં.