એરફોર્સ સ્ટેશન પાસેથી પોલીસે600 કિલો ચોરાઉ વાયર સાથે ઇસમને ઝડપી પાડ્યો

copy image

એરફોર્સ સ્ટેશન નજીક પોલીસે કાર્યવાહી કરીને વીજલાઈનના ચોરાઉ એલ્યુમિનિયમ કેબલ સાથે નાના વરનોરા ગામના ઇસમને પકડી પાડ્યો હતો. જ્યારે ફરાર બે આરોપીને શોધવા માટે આગળની તજવીજ હાથ ધરાઈ છે.

એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,પાલારા જેલ તરફથી મેક્સ પીકઅપ ગાડી નંબર જીજે 12 Y 6973 વાળી ગાડી આવે છે. જેમાં ચોરી કે છળકપટથી મેળવેલા વીજલાઈનના એલ્યુમિનિયમ કેબલ વાયરનો જથ્થો હોવાની બાતમીના આધારે એરફોર્સ સ્ટેશન નજીક ગાડીને અટકાવી તપાસ કરતા વીજ વાયરનો જથ્થો જોવા મળ્યો હતો. જેથી પુરાવાની માંગણી કરતા આરોપી નાના વરનોરાના મેરવાસમાં રહેતો ગની જખરા મોખા આધાર પુરાવા રજુ કરી શક્યો નહિ.

આ વાયરો ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા તેની પૂછપરછ કરાતા તેણે જણાવ્યું કે, નાના વરનોરા ગામના અન્ય બે આરોપીઓ અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા તથા મામદ જુસબ ત્રાયા સાથે મળીને તેણે નખત્રાણા તાલુકાના ચરાખડા ગામની સીમમાંથી આ વાયરોની તસ્કરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી બે લાખની ગાડી સાથે 60 હજારના 600 કિલો વાયરનો જથ્થો અને મોબાઈલનો મુદ્દામાલ જપ્ત કરી પલાયન બે આરોપીને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.